જોવાલાયક સ્થળો
રાણી ની વાવ
આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.
ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતુ. પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતુ. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધું મહત્વ આપવાનો હેતુ હતો.
જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઇને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઇને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાના વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જુઓ છે. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે. એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.
જૈન મંદિરો
પંંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસર પાટણના સોથી વધારે જૈન મંદિરોમાં સૌથી મોટા મંદિરો પૈકીનું એક છે અને સોલંકી યુગમાં જૈન ધર્મના કેન્દ્ર તરીકે પાટણની ભૂમિકાની યાદ દેવડાવે છે. આ મંદિર જૈન સ્થાપત્યની લાક્ષણિકતા સમાન આધૂનિક કોતરણીકામ અને સફેદ આરસપહાણની ફરશો ધરાવે છે. કપુર મહેતાના પાડાની પણ મુલાકાત લેવા જેવી છે, જ્યાં પથ્થરના મંદિરના અંદરના ભાગમાં કાષ્ટ કારીગરી છે. એક સમયે તમામ જૈન મંદિરો લાકડાનું સુંદર અને નાજુક કોતરણીકામ કરીને બનાવવામાં આવતા હતા. એવું કહેવાય છે કે નિષ્ણાત સ્થપતિ ઉદા મહેતાએ એકવાર મંદિરમાં સળગતી મીણબત્તી મોંઢામાં લઇને જતા ઉંદરને જોયો, ત્યારે તેમને લાગ્યું કે ક્યારેક કોઈ હોનારતમાં વર્ષોની મહેનત બળીને ખાખ થઈ જશે, ત્યાર બાદ તમામ મંદિરો પથ્થરોમાં કોતરવાનો આગ્રહ રાખ્યો હતો.
જાણીતા જૈન વિદ્વાન અને કવિ, હેમચન્દ્રાચાર્યને ગુજરાતી વ્યાકરણની સુવ્યવસ્થિત રજૂઆત માટે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં છે. તેમનો વ્યાકરણનો ગ્રંથ ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન લખવામાં આવ્યો, જે પાણીણીના સંસ્કૃત વ્યાકરણ પરના ગ્રંથની પ્રતિરૂપ તરીકે ભાસે છે. કવિએ આ જ્ઞાન મંદિર બાંધ્યું, એક પ્રાચીન પુસ્તકાલય જેમાં તાડના પાંદડા પર લખાયેલાં અસંખ્ય પ્રાચીન હસ્તલિખિત જૈન દસ્તાવેજો(કેટલાંક સોનાની શાહીથી લખાયેલાં છે) અને કવિ દ્વારા લખાયેલી સાહિત્યનો સમાવેશ થાય છે.
સહસ્ત્રલિંગ તળાવ
1084માં રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ મહાન થવાની ખેવના
બંધાવ્યું ન હતું. રાણકી વાવની ઉત્તરે આવેલા સહસ્ત્રલિંગ તળાવ એટલે સો શિવલિંગનું તળાવ. રાજા દુર્લભરાયે બંધાવેલું આ તળાવ મૂળે દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું. સિદ્ધરાજે તેના શાસન દરમ્યાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં ઘણા કૃત્રિમ તળાવો બંધાવ્યા હતા પરંતુ, આ તળાવ ટેક્નોલોજી, સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં તમામથી ચડિયાતું છે. રાણકી વાવની જેમ આ તળાવ પાણીના મૂલ્યને ધ્યાનમાં રાખીને ચીવટપૂર્વકનાં જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરૂં પાડે છે. 1042-43માં ઉત્ખનન દરમ્યાન સાત હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા અવશેષોમાંથી માત્ર 20 ટકા જ બહાર કાઢવામાં આવ્યા હતા, અને હુમલાઓમાં ત્રણ વાર તોડી નાખવામાં આવ્યું હોવા છતાં તેની ભવ્યતા હજી મોજુદ છે. ત્યાં સુંદર કોતરણીકામવાળા ત્રણ વર્તુળોથી બનેલા સ્લુઇસ ગેટ છે. જેનાથી સરસ્વતી નદીનું પાણી આ તળાવમાં આવતું હતું. અને એવું કહેવાય છે કે આ તળાવમાં કુદરતી રીતે પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી. આ જળાશયમાં દેવી દેવતાઓની સુશોભિત મૂર્તિઓ અને છતને આધાર આપતાં સ્તંભ છે. કિનારા પર 48 સ્તંભોની હારમાળાવાળા શિવ મંદિરના તેમજ શિવ અને પાર્વતીની સર્જનાત્મક ચેતના અને પ્રજનન શક્તિનું પ્રતિનિધિત્વ કરતા સ્ત્રી જનનાંગો પર નાના લિંગવાળા ઘણા નાના મંદિરોના અવશેષો હતા.
પટોળા
પટોળા એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ. પટોળા વિષેની દંતકથા એવી છે કે રાજા કુમારપાળ 12મી સદીમાં દૈનિક પુજા કરવા માટે રોજ નવો ઝભ્ભો પહેરવા દક્ષિણ મહારાષ્ટ્રના જૈનાના પટોળા ઝભ્ભા મંગાવતા હતા. જ્યારે રાજાને ખબર પડી કે, જૈનાના રાજા વાપરેલાં કપડાં પાટણ મોકલે છે, ત્યારે તેમણે દક્ષિણ પર હુમલો કર્યો, દક્ષિણના રાજાને હરાવ્યો અને ત્યાંથી પટોળાના 700 વણકર કુટુંબોને પાટણ લઈ આવ્યા. આ કુટુંબો પૈકીના માત્ર સાળવીઓએ આજે આ કારીગરી જાળવી રાખી છે.
પટોળા એ વિશ્વભરમાં વણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે. તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તાણવાણાને વણતા પહેલાં અગાઉથી નક્કી કરી શૈલી મુજબ કાળજીપુર્વક રંગવામાં આવે છે. ત્યાપ બાદ વણકર તેને ચોક્સાઇપુર્વક શાળ પર ગોઠવે છે, જેનાથી નાજુક, ઝાંખી રેખાઓ ધરાવતી ભૌમિતિક રેખાકૃતિઓવાળી વિશિષ્ટ ડીઝાઇન સહજ રીતે તૈયાર થાય છે. પાટણ ઉપરાંત, બાલી અને ઇન્ડોનેશીયામાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે ઇન્ડોનેશિયાના રાજા ભારતની મુલાકાતે આવ્યા હતા અને પટોળાની કારીગરીથી અંજાઈ ગયા હતા અને માત્ર ઇન્ડોનેશીયના રાજવી કુટુંબના લોકોને જ આ પટોળા પહેરવાની છૂટ આપવામાં આવશે તેમ કહીને તેમના વતન પટોળા લઈ ગયા હતા.
રેશમી દોરાઓને રંગ કરવામાં સિત્તેરથી વધારે દિવસ અ વણાટકામમાં અંદાજે 25 દિવસ મળીને એક સાડી તૈયાર કરતા 4-6 મહિના થાય છે. આ સાડી ચાર પ્રકારની શૈલીમાં મળે છેઃ 1) જૈનો અને હિન્દુઓ માટે ફૂલો, પોપટ, હાથી અને નાચતી આકૃતિઓવાળી, 2) મુસ્લિમ વોરાઓ માટે લગ્ન પ્રસંગોએ વપરાતી ભૌમિતિક અને ફૂલોવાળી ડીઝાઇનની, 3) મહારાષ્ટ્રીય બ્રાહ્મણો માટે નારી કુંજ તરીકે ઓળખાતી સાડીઓ, જે સ્ત્રીઓ અને પક્ષીઓની ભાતની ગાઢ કાળા રંગની બોર્ડરવાળી હોય છે, 4) પૂર્વના દેશોના પરંપરાગત નિકાસ બજારો માટેની સાડીઓ. ખાસ કરીને ઝિગઝેગ ડીઝાઇનમાં વણેલા તાણવાણા માટે રંગકામની પેટર્નને ઉપસાવવા અત્યંત કુશળ રંગારાની જરૂર પડે છે, અને એજ રીતે એકસરખી ઝડપથી કામ કરવા માટે કુશળ વણકર પણ આવશ્યક છે, જેથી રેશમના દોરાને તોડ્યા વગર ચોક્કસ જગ્યાએ તાણાવાણા વણી શકાય. કારીગરીનું આ અત્યંત ઊંચુ સ્તર પટોળા કારીગરોને તેમના કામનું ઊંચુ મૂલ્ય રાખવાનું અને તેમની પેટર્ન્સને ધંધાના રહસ્ય તરીકે જાળવી રાખવાનું પૂરતું કારણ પૂરું પાડે છે.